સ્વતંત્ર પત્રકારત્વ

સુરત: ફિશ માર્કેટ પર નરેન્દ્ર મોદીનું નામ, ઠરાવ વિના નામકરણ વિવાદમાં

સુરત: ફિશ માર્કેટ પર નરેન્દ્ર મોદીનું નામ, ઠરાવ વિના નામકરણ વિવાદમાં

સુરત શહેરના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં રૂ. 3.90 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી ફિશ માર્કેટનું નામકરણ વિવાદમાં આવ્યું છે. આ માર્કેટને કોઈ સત્તાવાર ઠરાવ વિના 'શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ' નામ આપી દેવાતા સ્થાનિક વેપારીઓમાં રોષ છે. આ નામકરણ સુર ફિશ માર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ કર્યું છે, જે અંગે અન્ય વેપારીઓએ વાંધો ઉઠાવ્યો છે.

માર્કેટના વેપારી સુરેન્દ્ર લશ્કરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુદ્ધ શાકાહારી છે અને તેઓ ક્યારેય માંસાહાર કરતા નથી. આવી સ્થિતિમાં માંસાહારી માર્કેટ પર તેમનું નામ લગાવવું અયોગ્ય છે. તેમણે માંગ કરી કે આ માર્કેટનું નામ કહાર-માછી સમાજના નામે રાખવામાં આવે, જેથી સમાજનું સન્માન થાય. લશ્કરીએ એસોસિયેશનના પ્રમુખ પર મનમાની અને જોર-જબરદસ્તીનો આરોપ લગાવ્યો છે.

બીજી તરફ, સુર ફિશ માર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ પોતાના વલણને યોગ્ય ઠેરવતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ માછીમાર સમાજ માટે 'મત્સ્ય સંપદા' યોજના જેવી અનેક યોજનાઓ શરૂ કરી છે, જેના કારણે માછીમારોને મોટો લાભ થયો છે. તેમણે દાવો કર્યો કે આ માર્કેટ સુરત મહાનગરપાલિકાના ઠરાવ મુજબ જ શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓએ રૂ. 43 લાખ ડિપોઝિટ અને છ મહિનાનું એડવાન્સ ભાડું ભર્યું છે. તેમણે કહ્યું કે આ બોર્ડ ઉતારવા દેવામાં આવશે નહીં.

જોકે, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાએ જણાવ્યું કે, આ માર્કેટના નામકરણ અંગે ન તો સાંસ્કૃતિક સમિતિ કે ન તો સામાન્ય સભામાં કોઈ ઠરાવ થયો છે. બોર્ડ લગાવવાની જાણ થતાં મ્યુનિસિપલ ટીમ તેને દૂર કરવા ગઈ હતી, પરંતુ ત્યાંના વેપારીઓએ પોતે જ બોર્ડ દૂર કરવાની ખાતરી આપવા પર ટીમ પરત ફરી હતી. આમ, નામકરણની કોઈ સત્તાવાર મંજૂરી નથી.

આ ફિશ માર્કેટનો ઇતિહાસ પણ વિવાદોથી ભરેલો છે. વર્ષ 2018માં શરૂ થયેલા આ પ્રોજેક્ટનું બાંધકામ 2020માં નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના વાંધાને કારણે અટકી પડ્યું હતું. રિવાઇઝ્ડ એનઓસી મેળવ્યા બાદ કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ સાથે આ માર્કેટ તાજેતરમાં તૈયાર થયું છે. સત્તાવાર લોકાર્પણ પહેલાં જ માર્કેટ શરૂ કરી દેવાયાનો પણ વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.

આમ, આ માર્કેટના નામકરણને લઈને વેપારીઓ અને એસોસિયેશન વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી આ બાબતે સ્પષ્ટતા કરી નથી. બોર્ડ ઉતારવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં તે અત્યાર સુધી ઉતારવામાં આવ્યું નથી. આ મામલે મનપાના આગામી નિર્ણય પર સૌની નજર છે.